Saturday, August 7, 2010

સહારે સહારે. મરીઝ

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોંઘમ ઇશારે ઇશારે
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતાં જશો તો, થતી રહેશે ઇચ્છા વધારે વધારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફકત એ શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે, ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન તો ગયું છે સહારે સહારે.
- મરીઝ

No comments:

Post a Comment